તું જ
શ્વાસે શ્વાસે તું જ વસે છે, ધબકારે તું ગાય,
મારી અંદર તું જ બેઠો, તોય તને શોધવા જવાય!
મંદિર ગ્યો, મસ્જિદ ગ્યો, ગ્યો ગંગાને ઘાટ,
પથ્થર પૂજ્યા, દીવા કીધા, જોતો રહ્યો તારી વાટ;
પાછો વળ્યો તો ઉંબર બેઠી માની આંખ મલકાય…
શ્વાસે શ્વાસે…
ભૂખ્યાના ભાણામાં જોયો, રડતાની આંખોમાં,
ખેડુના પરસેવે જોયો, પંખીની પાંખોમાં;
જ્યાં જ્યાં નજર માંડું, ત્યાં ત્યાં તારું જ મુખ દેખાય…
શ્વાસે શ્વાસે…
પરાગ કહે: ફૂલમાં ફોરમ, ફોરમમાં તું વાસ,
શોધનારો ય તું જ, ને તું જ છે મારી આસ;
હું ઓગળું, તો બાકી બચે તે તું જ તું કહેવાય…
શ્વાસે શ્વાસે…
– પરાગ રતનપરા