હસ્તરેખા
જોષી વાંચે હાથની રેખા, હું તો વાંચું તારી આંખ,
રેખામાં તો કાલ લખી છે, આંખોમાં છે આજની પાંખ.
જોષી કહે: ‘ધનરેખા ટૂંકી, ભાગ્યરેખા વાંકી,’
મેં કહ્યું: ‘ભલે ને, મારી પ્રીતની રેખા પાકી’;
તારા હાથની મેંદી જ્યાં અડી, ત્યાં ઊગી સોનાની શાખ…
જોષી વાંચે…
હાથ ઉપર તો લીટા છે ને, લીટે લીટે ગાંઠ,
ભરોસો તો બાંધ્યો છે મેં તારા પાલવની ગાંઠ;
રેખા ભૂંસાય, ના ભૂંસાય તારા સ્પર્શની સાખ…
જોષી વાંચે…
પરાગ કહે: જે હાથ ઝાલે, એ જ સાચું નસીબ,
બાકી ગ્રહ ને નક્ષત્ર સૌ આભે ઊભા ગરીબ;
તારો હાથ જો હાથમાં હોય, તો ઝળહળે આખી રાખ…
જોષી વાંચે…
– પરાગ રતનપરા