પડઘો
ગામના જૂના કૂવામાં
છોકરાં
નમીને
પોતાનું નામ બોલે છે —
‘રાજુ…’
‘મીના…’
ને કૂવો
હસતો હસતો
એ જ નામ
પાછાં આપે છે.
સાંજે
સૌ જતાં રહે
પછી
લાકડીને ટેકે
એક ડોસા આવે છે.
એ કૂવામાં નમીને
બોલે છે:
‘શાંતા…’
કૂવો
ઘડીક
ચૂપ રહે છે,
પછી
ધીમેથી કહે છે:
‘શાંતા…’
ડોસા
થોડી વાર ઊભા રહે છે,
જાણે
જવાબ મળ્યો હોય.
કૂવાને ખબર છે —
કેટલાંક નામ
પાછાં આપવાં પડે,
ભલે
એ નામવાળું
પાછું ન આવે.
– પરાગ રતનપરા