← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નાઇટ નર્સ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આઈસીયુની
કાચની બારી પાછળ
રાતના ત્રણ વાગ્યે
બધા જ ઊંઘે છે —
દર્દી,
સગાં,
ને ઘડિયાળ પણ.

માત્ર
મૉનિટરની લીલી લીટી
ને
એક નાઇટ નર્સ
જાગે છે.

એ
બેડ નંબર સાતના
ડોસાનો હાથ પકડીને
બેઠી છે,
કારણ કે
ડોસાના દીકરાનું પ્લેન
સવારે આવવાનું છે.

સવારે
દીકરો આવ્યો,
પિતાના ઠંડા હાથ પર
માથું મૂકીને રડ્યો.

નર્સ
ચૂપચાપ
શિફ્ટ પૂરી કરીને
ચાલી ગઈ.

કોઈને ખબર નથી —
ડોસાએ
છેલ્લો શ્વાસ લેતાં
જે હાથ દબાવ્યો હતો,
એ હાથ
દીકરાનો નહોતો,
પણ
એ દબાણમાં
દીકરાનું જ નામ હતું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખપડઘોઆગલો લેખ →ગભરાતો હતો