પાનખરની બીક
ઘરડું ઝાડ બોલ્યું:
મને પાનખરની બીક ન બતાવો.
મેં
સાઠ પાનખર જોઈ છે,
ને સાઠ વસંત.
પાંદડાં ખરે
ત્યારે જ તો
આકાશ દેખાય છે —
ભરચક ઘટા વચ્ચે
મેં કદી
આખો ચાંદો
જોયો જ નહોતો.
માળા ખાલી થાય,
પંખી ઊડી જાય,
તોય
મૂળ તો
માટીમાં જ રહે છે.
જાઓ,
મારાં ખરેલાં પાનનું
તાપણું કરો,
ઠંડી પડે છે ને?
હું
એટલો તો
હજી કામ લાગું છું.
– પરાગ રતનપરા