મા અંબિકા
દીવા બળે, તાળી પડે, ગરબે ફરે મા અંબિકા,
પાવાગઢે, ઊંચે શિખર, અમરત ઝરે મા અંબિકા.
આવ્યો હતો હું રંક થઈ, ના ભેટ, ના ફૂલો, ન ફળ,
ખાલી હથેળી જોઈને, ખોળો ભરે મા અંબિકા.
તોફાનમાં નૈયા ડગે, ડૂબી જવા જેવો થયો,
ઝાલે હલેસું હાથમાં, નાવે તરે મા અંબિકા.
પૂજો ભલે નવ રાત, પણ જો દીકરી ગર્ભે મરે,
આ જોઈને, પાષાણમાં, ભીનું સરે મા અંબિકા.
ગરબો ભલે ના આવડે, લાવ્યો પરાગે આ ગઝલ,
ચાલો, હવે મારી ગઝલ ઝીલી ધરે મા અંબિકા.
– પરાગ રતનપરા
#ગઝલ #મા_અંબા #નવરાત્રિ #ગરબો #દીકરીબચાવો #પરાગરતનપરા
#GujaratiGhazal #MaaAmba #Navratri #Garba #SaveTheGirlChild #ParagRatanpara