← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પરોઢ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કૂકડો બોલ્યો, ઘંટી ગાજી, ગામ ઊઠીને ન્હાયું,
વલોણાંનાં ગીત સુણીને આભ ગુલાબી થાયું.

પનિહારીનાં બેડાં રણકે, પાદર મલકે મીઠું,
ગોવાળિયાની વાંસળીએ જાણે શમણું દીઠું;
ગાયોને ગળે ઘૂઘરી વાગી, ઝાકળ સઘળું ગાયું…
કૂકડો બોલ્યો…

દાદા ઓટલે દાતણ ચાવે, દાદી ફેરે માળા,
નિશાળ ભણી દોડે છોરાં, દફતર ઝૂલે કાળાં;
તડકો આવી ઊભો આંગણ, જાણે કો' મહેમાન આયું…
કૂકડો બોલ્યો…

પરાગ કહે: આ પરોઢ જેવું શહેરમાં ક્યાં મળવાનું?
એલાર્મ વાગે, ટ્રાફિક જાગે, ધુમાડે ઊઠવાનું;
સપને સપને રોજ ગામનું એ જ પરોઢ સમાયું…
કૂકડો બોલ્યો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખરસોડામાંઆગલો લેખ →પાનખરની બીક