પાદરનો વડ
ગામને પાદર
એક વડ હતો.
દાદા કહેતા — એની ઉંમર
કોઈ ચોપડામાં લખાઈ નથી.
એની વડવાઈએ અમે હીંચકા ખાધા,
એના છાંયડે પંચ બેસતું,
એના થડ પર કોઈએ
તીર વીંધેલું એક હૃદય કોતર્યું હતું —
નામ ભૂંસાઈ ગયાં, તીર હજી હતું.
ગયા વરસે રસ્તો પહોળો થયો.
વડ કપાયો.
હવે ત્યાં બસસ્ટૅન્ડ છે —
પતરાનું છાપરું,
ચાર થાંભલા,
ને ઉપર મોટા અક્ષરે પાટિયું:
‘છાંયડો — સૌજન્ય: ગ્રામ પંચાયત.’
– પરાગ રતનપરા