← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઓશીકું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પલંગ પર
હજી બે ઓશીકાં છે.

એક પર
રોજ એનું માથું ઢળે છે,
બીજા પર
રોજ એનો હાથ.

દર સવારે
એ બંને ઓશીકાંને
ખંખેરે છે,
ગલેફ સરખા કરે છે,
ને પેલા ખાલી ઓશીકાને
ધીમેથી થાબડે છે —
જાણે કોઈ હજી
મોડે સુધી સૂતું હોય.

દીકરો કહે છે:
‘મમ્મી, એક ઓશીકું કાઢી નાખ,
જગ્યા થશે.’

એ હસીને કહે છે:
‘જગ્યા તો ઘણી થઈ ગઈ છે, બેટા.’

રાતે
બંને ઓશીકાં પર
સળ પડે છે —
એક પર માથાના,
બીજા પર
યાદના.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખતાપમાંઆગલો લેખ →ગામનો તિરંગો