ન્યૂઝ ચેનલ
રાતના નવ વાગ્યે
ટીવીના પડદા પર
પૂર આવ્યું.
છાપરાં તરતાં હતાં,
એક ભેંસ તણાતી હતી,
એક ડોશી
પાણીમાં ગળાડૂબ ઊભી
હાથ ઊંચા કરીને
કોઈને બોલાવતી હતી.
અમે દાળભાત જમતા હતા.
પછી
એક જાહેરાત આવી —
‘વૉટરપ્રૂફ પેઇન્ટ, દસ વર્ષની ગૅરંટી.’
પપ્પાએ ચેનલ બદલી.
ક્રિકેટ ચાલતી હતી.
પણ મારી છ વર્ષની દીકરીએ
થાળી બાજુએ મૂકી
પૂછ્યું:
‘પેલાં માજી
જમ્યાં હશે?’
ત્યારે સમજાયું —
આખા ઘરમાં
પૂરનું પાણી
માત્ર એક જણની આંખ સુધી
પહોંચ્યું હતું.
– પરાગ રતનપરા