નિવૃત્તિ
નિવૃત્ત થયો ત્યારે
સૌએ કહ્યું:
‘હવે તો આરામ,
હીંચકો, છાપું, ચા.’
પહેલે દિવસે
હીંચકે બેઠો,
છાપું ખોલ્યું,
ત્યાં ઘરવાળી બોલી:
‘નવરા જ છો તો
દૂધ લઈ આવો.’
પછી શાક,
પછી બૅંક,
પછી લાઇટ બિલ,
પછી પૌત્રને નિશાળે મૂકવો,
પછી એને લેવો,
પછી ગૅસનો બાટલો.
સાંજે
થાકીને આવ્યો,
તો હીંચકો
એકલો એકલો ઝૂલતો હતો —
નિરાંતે.
ત્યારે સમજાયું:
આ ઘરમાં
નિવૃત્ત
ફક્ત હીંચકો થયો છે.
– પરાગ રતનપરા