થોડું ઘણું
ના જોઈએ મોટો મહલ, બસ આંગણું થોડું ઘણું,
આવે હવા, ચકલી ઘરે, ને બારણું થોડું ઘણું.
સોનું ન હો, ચાંદી ન હો, ના હોય મોતી-હાર પણ,
ઝૂલે ઘરે, બાળક હસે, એ પારણું થોડું ઘણું.
મખમલ નહીં, ગાદી નહીં, ના રેશમી ઓછાડ પણ,
રાતે ઠરું, માની જ સાડી ઓઢણું થોડું ઘણું.
ઠંડી ઢળે, ઓટે મળે સૌ ગામના ઘરડા જણાં,
ગપ્પાં ભલાં, ચાની મજા, ને તાપણું થોડું ઘણું.
ફૂલો ભલે ઓછાં, પરાગે, ગંધ ઓછી ના પડે,
અંધાર ઘેરો હોય, તો પણ ચાંદણું થોડું ઘણું.
– પરાગ રતનપરા
#ગઝલ #સંતોષ #સાદગી #ઘર #નાનુંસુખ #પરાગરતનપરા
#GujaratiGhazal #Contentment #SimpleLiving #Home #LittleJoys #ParagRatanpara