નથી બનતું
રોજ સવારે
લાગે છે
આજે કંઈક બનશે.
કોઈ જૂનો મિત્ર
અચાનક ફોન કરશે,
કોઈ ટપાલી
પીળું પરબીડિયું લાવશે,
ગલીના નાકે
કોઈ મારું નામ લઈને
બૂમ પાડશે.
કંઈ નથી બનતું.
દૂધવાળો આવે છે,
છાપું આવે છે,
સાંજ આવે છે,
ને રાત પણ
સમયસર આવી જાય છે.
બસ,
જે નથી બનતું,
એની રાહ જોવી —
એ જ
રોજનો
સૌથી મોટો બનાવ છે.
– પરાગ રતનપરા