નહીં પૂછું
હું તને
એમ નહીં પૂછું
કે આજે
તું કેમ ચૂપ છે.
હું તો
રસોડામાં જઈને
બે કપ ચા મૂકીશ,
અને
તારી બાજુમાં
થોડી વાર
બેસી રહીશ.
ક્યારેક
સવાલો
આંગળી પકડવાને બદલે
કાંડું મરડી નાખે છે.
એટલે
હું તારી ચુપકીદીને
એક ઓરડો આપીશ,
જેની બારી
મારી તરફ ખૂલતી હોય.
જ્યારે તારે બોલવું હશે,
તું
બારી ઉઘાડીશ.
હું
ત્યાં જ હોઈશ —
ચાનો બીજો કપ
ઠંડો થવા દીધા વગર.
– પરાગ રતનપરા