નદીનો રસ્તો
નદીને કોઈએ પૂછ્યું નથી
કે ક્યાં જવું છે.
એ તો બસ
ઢાળ દેખે ત્યાં વળી જાય છે,
પથ્થર આડો આવે તો
એને ગોળ કરીને આગળ વધે છે,
અને ગામ આવે તો
થોડી ધીમી પડીને
સ્ત્રીઓનાં બેડાંમાં બેસી
ઘેર પણ જઈ આવે છે.
આપણે
નકશા લઈને નીકળ્યા,
હોકાયંત્ર લઈને,
ઘડિયાળ લઈને,
અને દરેક વળાંકે
કોઈને પૂછતા રહ્યા —
“આ રસ્તો સાચો તો છે ને?”
દરિયે પહોંચીને
નદીએ
એક વાર પણ પાછું વળીને
પોતાનો રસ્તો જોયો નથી.
આપણે
ક્યાંય પહોંચ્યા જ નહીં,
ને આખી જિંદગી
પાછું વળીને જોતા રહ્યા.
– પરાગ રતનપરા