ચોટલે ચંપો
મારા ચોટલે ચંપો ને કાને કરેણ,
મારો સાયબો જુએ ને મારાં ઢળી જાય નેણ…
ગામને કૂવે બેડલું ભરવા ગઈ’તી હું તો સાંજ,
પાણી ભેગો ભરી લાવી એની નજરનો સાજ;
બેડલું છલકે, હૈયું છલકે, છલકે મીઠાં વેણ…
મારા ચોટલે ચંપો…
ભાભી પૂછે: “નણદી, કોનાં ફૂલ આ માથે મ્હોર્યાં?”
હું તો બોલું: “વાડીએથી પવન લાવ્યો ચોર્યાં!”
પવન બિચારો મૂંગો, ભાભી હસતી જાય રે બેન…
મારા ચોટલે ચંપો…
પરાગ કહે: ચંપો કરમાશે, કરેણ ખરી જાશે,
પણ જે ફૂલ નજરથી ખીલ્યું, એ જનમારો ગાશે;
ધોળા વાળે ય સાંભરશે એ સાંજ, એ જ રેણ…
મારા ચોટલે ચંપો…
– પરાગ રતનપરા