વશમાં નથી
કોણ આવે, કોણ જાતું, આંગણું વશમાં નથી,
ખોલવું કે બંધ કરવું, બારણું વશમાં નથી.
રાતની ટાઢે ભલે બેઠા અમે સૌ ગામ લઈ,
ઠારવું કે ઝાળ દેવી, તાપણું વશમાં નથી.
રાતભર મા ગાય હાલરડાં, ઝુલાવે હેતથી,
ઊંઘ ક્યારે આવશે? એ પારણું વશમાં નથી.
લાજ મેં રાખી ઘણી, પણ વાયરો અલ્લડ હતો,
ક્યાં સુધી ઊડી જશે એ ઓઢણું વશમાં નથી.
ફૂલ ખીલ્યું ને પરાગે ગંધ વેરી ચોતરફ,
શબ્દ જ્યાં ફોરે, પછી ત્યાં ઢાંકણું વશમાં નથી.
– પરાગ રતનપરા
#ગઝલ #નિયતિ #કુદરત #ઘરઆંગણું #શરણાગતિ #પરાગરતનપરા
#GujaratiGhazal #BeyondControl #NaturesWay #Surrender #HomeAndHearth #ParagRatanpara