મનનો તંબૂરો
મનનો તંબૂરો મેળવજો રે સાધુ,
એક જ તારે ગાજે આખો દેહ…
પહેલે તારે ક્રોધ ઉતારો, બીજે તારે લોભ,
ત્રીજે તારે માયા મેલો, ચોથે મેલો ક્ષોભ;
પછી રણકશે તાર અલખનો, વરસે અમરત મેહ…
મનનો તંબૂરો…
ગુરુએ દીધી જ્ઞાનની ખૂંટી, શ્રદ્ધાનો દીધો તાર,
ધીરજની આંગળીએ છેડો, ખૂલશે દસમું દ્વાર;
ઊંડે ઊંડે ગુંજે નાદ ને ઓગળી જાય સંદેહ…
મનનો તંબૂરો…
પરાગ કહે: આ તંબૂર તૂટે, તાર બધા વીખરાય,
પણ જે સૂર ભીતર બેઠો, એ ક્યાંય ન ખોવાય;
માટી માટીમાં ભળે ને રહે અલખનો નેહ…
મનનો તંબૂરો…
– પરાગ રતનપરા