← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નાગરિકતા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

સરહદ પર
એમને રોકવામાં આવ્યા.

‘કાગળ?’
એમની પાસે કાગળ નહોતા.
હતાં
ફાટેલાં ગોદડાં,
ખાલી વાસણ,
ને એક બાળક —
જેને હજી
નામ પણ નહોતું મળ્યું.

‘ક્યાંના છો?’
એમણે પાછળ જોયું —
ત્યાં ધુમાડો હતો.
આગળ જોયું —
ત્યાં કાંટાળી વાડ.

‘ધર્મ?’
માએ બાળકને
છાતીએ વળગાડ્યું.
એ જ એનો ધર્મ હતો.

અધિકારીએ
રજિસ્ટરમાં લખ્યું:
‘અજ્ઞાત.’

રાત્રે
વાડની બંને બાજુ
એક જ ચાંદ ઊગ્યો,
એક જ ઠંડી પડી,
ને બાળક
બંને બાજુના
કૂતરાઓનો અવાજ સાંભળી
એકસરખું રડ્યું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખનામ ન દેઆગલો લેખ →છે ખરું?