મોર
લૉકડાઉનનો એકવીસમો દિવસ.
હાઈવે પર
ન ટ્રક, ન હૉર્ન, ન ધુમાડો —
વચ્ચોવચ પીળી પટ્ટી પર
એક મોર
કળા કરીને ઊભો છે.
અમે બારીના સળિયા પકડીને
એને જોઈએ છીએ,
જેમ વરસોથી
પ્રાણીસંગ્રહાલયમાં
એ અમને જોતો હતો.
માસ્કની પાછળ
પહેલી વાર સમજાયું —
પાંજરું કોઈ ધાતુનું નથી હોતું,
એ તો
કોણ કોને જુએ છે
એ ક્રમનું નામ છે.
ને પ્રકૃતિએ
એક વાર, બસ એક વાર,
તાળામાં ચાવી
ઊલટી ફેરવી જોઈ.
– પરાગ રતનપરા