મેઘધનુષનો લસરપટ્ટો
વરસાદ રહી ગયો
ને આભમાં ઊગ્યું મેઘધનુષ.
દીકરી કહે:
‘પપ્પા, મારે એના પર લસરવું છે —
જાંબલીથી ચડું ને લાલ પર ઊતરું.’
મેં કહ્યું: ‘એ તો બહુ દૂર છે, બેટા,
એને પકડી ન શકાય.’
એ હસી,
ને આંગણાના ખાબોચિયામાં
ધબ્બ કરતીક કૂદી પડી.
પાણીમાં હલબલી ઊઠ્યું
આખું મેઘધનુષ —
ને એના ફ્રૉક પર
સાતેય રંગના છાંટા.
હું વર્ષોથી આકાશ તાકતો રહ્યો;
એણે એક જ કૂદકે
આકાશને
નીચે બોલાવી લીધું.
– પરાગ રતનપરા