કલમનો કાચિંડો
મારી પાસે એક કલમ છે —
સત્તા બદલાય
ત્યારે એની શાહી બદલાય.
કેસરી આવ્યા
તો કેસરી ગીતો,
લીલા આવ્યા તો લીલાં,
લાલ આવ્યા તો ક્રાંતિ, ક્રાંતિ, ક્રાંતિ!
એવૉર્ડ મળ્યા, શાલ મળી,
મંચ પર પહેલી હરોળ મળી.
એક દિવસ ગામના
ભૂખ્યા છોકરાએ
કોરો કાગળ લંબાવી કહ્યું:
‘કાકા, મારી ભૂખ વિશે લખો ને…’
કલમ અટકી ગઈ.
ભૂખનો કોઈ પક્ષ નથી,
એટલે એનો
કોઈ રંગ પણ નથી.
– પરાગ રતનપરા