મીણબત્તી માર્ચ
સાંજે સાત વાગ્યે
ચાર રસ્તા પર
મીણબત્તી માર્ચ હતી.
સૌ આવ્યા —
કોઈ ઑફિસથી સીધા,
કોઈ જીમથી,
કોઈ સેલ્ફી-સ્ટિક લઈને.
મીણબત્તીઓ સળગી,
નારા ગાજ્યા,
કૅમેરા ઝબક્યા.
સાડા સાતે
સૌ વિખેરાઈ ગયા.
સવારે
રસ્તા પર
ઠરી ગયેલા મીણનાં
નાનાં નાનાં ધાબાં હતાં.
સફાઈવાળાએ
એને ઉખાડતાં ઉખાડતાં
બબડાટ કર્યો:
‘આ મીણ પણ
લોકોના ગુસ્સા જેવું છે —
જલદી ઠરી જાય છે,
ને પછી
માત્ર ડાઘ રહી જાય છે.’
– પરાગ રતનપરા