મરવાની રીતો
કોઈ
ઑફિસની ફાઈલો નીચે દબાઈને મરે છે,
ધીમે ધીમે, પેન્શનની રાહ જોતાં.
કોઈ
‘લોકો શું કહેશે?’ના ડરથી મરે છે,
રોજ થોડું થોડું.
કોઈ
ઈએમઆઈના હપ્તે હપ્તે મરે છે —
મકાન એનું થાય
ત્યાં સુધીમાં
એ પોતે ભાડૂત થઈ ગયો હોય છે.
કોઈ
ફોનમાં ‘લાઈક’ ગણતાં ગણતાં મરે છે,
ને છેલ્લી પોસ્ટ પર
‘RIP’ના ત્રણસો લાઈક આવે છે.
ને કોઈ કોઈ
ગામના પાદરે
લીમડા નીચે ખાટલો ઢાળીને
હસતાં હસતાં મરે છે —
નેવું વર્ષે,
એકેય હપ્તો બાકી રાખ્યા વગર.
મને એ છેલ્લી રીત
બહુ ગમે છે.
પણ એનું ફૉર્મ
ક્યાં ભરવાનું, ખબર નથી.
– પરાગ રતનપરા