ધરામાં ના પડ
કાના, ધરામાં ના પડ રે, જમના ઊંડી છે,
ત્યાં તો નાગ ફણીધર બેઠો, વાત ભૂંડી છે!
દડો ગયો તો જાવા દે ને, બીજો લાવું રેશમનો,
ગોપ-ગોવાળ સૌ ઊભા કાંઠે, શ્વાસ અટક્યો ગામનો;
જશોદા મૈયા દોડતી આવે, આંખો રૂંધી છે…
કાના, ધરામાં…
કાનો હસીને બોલ્યો: ‘ગોપી, ડર તો મનનો નાગ,
નાથું એને, પછી જ વાગે વાંસળીનો રાગ’;
કૂદ્યો, ને જળ ઝળહળ થ્યાં, લીલા અનોખી છે…
કાના, ધરામાં…
પરાગ કહે: ફણ પર નાચે નટવર, ઝાંઝર ઝમકે,
ઝેર ઊતર્યાં જમનાનાં, ને મોજાં મધુરાં ચમકે;
ભીતરના કાળીનાગને નાથો, વાટ એ ઊજળી છે…
કાના, ધરામાં…
– પરાગ રતનપરા