← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માતૃભાષા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ન્યૂ જર્સીમાં રહેતો મારો પૌત્ર
‘બા’ને ‘બાઆઆ’ કહે છે —
અંગ્રેજી લહેકો ઓઢાડીને.
‘થૅન્ક યૂ’ કહે છે,
‘સૉરી’ કહે છે,
રોટલીને ‘બ્રેડ’ કહે છે.

અમે ચિંતા કરતાં:
આ છોકરો
ભાષા ભૂલી જશે.

એક દિવસ
સાઇકલ પરથી પડ્યો,
ઘૂંટણ છોલાયો,
ને લોહી જોઈને
એણે ચીસ પાડી —
‘ઓ મા!’

ત્યારે સમજાયું:
માતૃભાષા
જીભ પર નથી રહેતી,
એ તો
ઘૂંટણની ચામડી નીચે
લોહીની સાથે વહે છે,
ને પીડા પડે
ત્યારે જ
બહાર આવે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમારા સુધીઆગલો લેખ →અભાવ