મારા સુધી
ના કદી પ્હોંચી અહીં એ રોશની મારા સુધી,
આંગણે ચાંદો હતો, ના ચાંદની મારા સુધી.
બંધ દરવાજે ટકોરા રોજ દઈને જાય છે,
તોય પ્હોંચી ક્યાં કદી એ લાગણી મારા સુધી?
બા ગયાં, ને ઠાર લાગે છે શિયાળે આજ પણ,
ના હવે પ્હોંચે કદી એ ઓઢણી મારા સુધી.
વાંસળી વાગી હતી કો' દૂરના વગડા મહીં,
પણ પવન લાવ્યો નહીં એ રાગિણી મારા સુધી.
આ પરાગે બીજ વાવ્યાં શબ્દનાં ચારે તરફ,
તોય ના આવી કદી એ વાવણી મારા સુધી.
– પરાગ રતનપરા
#ગઝલ #ભીતર #અંતર #એકલતા #આત્મખોજ #પરાગરતનપરા
#GujaratiGhazal #InnerDistance #ClosedHeart #Loneliness #SelfDiscovery #ParagRatanpara