← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અભાવ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તારા ગયા પછી
પલંગની તારી બાજુ
સપાટ રહેતાં શીખી ગઈ છે;
ઓશીકામાં
હવે ખાડો પડતો નથી.

બારીનો પડદો
હવે અડધો જ ખૂલે છે —
તું આખો ખોલતી,
હું અડધો.

રસોડામાં
એક જ કપ ધોવાય છે,
ને એ કપ પણ
ઘણી વાર
અડધો પીધેલો રહી જાય છે.

લોકો કહે છે:
સમય બધું ભરી દેશે.

પણ સમય
દરજી નથી, સખી;
એ તો ધૂળ છે —
ખાડા ભરતો નથી,
બસ
ઢાંકી દે છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમાતૃભાષાઆગલો લેખ →મનનું પંખી