માની ડાયરી
માના ગયા પછી
કબાટમાંથી એક ડાયરી મળી.
દૂધ — વીસ.
શાક — પંદર.
બાપુજીની દવા — એકસો દસ.
મુન્નાની ફી — પાંચસો.
દીકરીની રાખડીનું કવર — એકાવન.
કામવાળીને દિવાળી — સો.
પાને પાને
આખા ઘરનો હિસાબ હતો.
મેં ત્રણ વાર
આખી ડાયરી ફેંદી નાખી —
ક્યાંય
એક સાડી,
એક ચંપલ,
એક ગજરો
લખેલો નહોતો.
આજે સમજાયું,
મા કવિતા નહોતી લખતી.
એ ઘર લખતી હતી —
અને પોતાને
દર મહિને
બાદ કરતી જતી હતી.
– પરાગ રતનપરા