લીમડો
આંગણાનો લીમડો
આખા ઘરને કડવો લાગતો.
છોકરાં કહેતાં:
‘પાંદડાં બહુ ખરે છે.’
વહુ કહેતી:
‘ગાડી પર ચરકે છે પંખી.’
દીકરો કહેતો:
‘કપાવી નાખીએ, પાર્કિંગ થશે.’
બા કશું બોલતી નહીં.
ગુડી પડવે
એનાં કૂણાં પાન વાટી
સૌને પરાણે ચખાડતી.
શીતળાના દિવસે
એની ડાળીઓ બારણે બાંધતી.
બા ગઈ.
લીમડો કપાયો.
પાર્કિંગ થયું.
હવે
ઘરમાં કોઈ કડવું બોલતું નથી,
કોઈ કડવું ચાખતું નથી.
બસ,
રોગ મીઠા મીઠા
ઘર કરી ગયા છે.
– પરાગ રતનપરા