← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તું હસે ને

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તું હસે ને ઘરમાં ઝળહળ, તું રિસાય તો સાંજ,
ચાળીસ વરસે ય લાગે, જાણે પહેલું પાનેતર આજ.

વાળ થયા છે ધોળા, ચશ્માંના કાચ થયા છે જાડા,
ઘૂંટણ દુખે, તોય તું ગાતી ગીતો જૂનાં ને રૂડાં;
દાળમાં મીઠું ભૂલે તો ય લાગે એવો સરસ અંદાજ…
તું હસે ને ઘરમાં ઝળહળ…

છોકરાં ઊડ્યાં પોતપોતાને માળે, ઘર થયું સાવ ખાલી,
તો ય તારી ચૂડીનો રણકો, ઓરડે ઓરડે વ્હાલી;
બે ખુરસી, એક ઝૂલો, ને આપણે બેઉ, કેવું રાજ!…
તું હસે ને ઘરમાં ઝળહળ…

પરાગ કહે: આ ઘડપણમાં જે પ્રેમ પાકે, એ જ ખરો,
જુવાનીનો તો કાચો રંગ, આ તો સોનાનો ઝરો;
હાથ ઝાલી બેસીએ સાંજે, ઢળતા સૂરજની સાખે આજ…
તું હસે ને ઘરમાં ઝળહળ, તું રિસાય તો સાંજ.

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમહીડાંઆગલો લેખ →લીમડો