લગભગ રોજ
એ
લગભગ રોજ
બસ-સ્ટૅન્ડ પર મળે છે.
લાલ થેલી,
ઘસાયેલાં ચંપલ,
ને હાથમાં
એક જ પુસ્તક —
વર્ષોથી
એનું એ જ.
હું જાણું છું
એ વાંચતી નથી;
પાનું ફેરવતી નથી.
બસ
પુસ્તક ખુલ્લું રાખીને
રસ્તા સામે જુએ છે.
એક દિવસ
પવનથી પાનાં ઊડ્યાં
ને વચ્ચેથી
એક ફોટો નીચે પડ્યો —
લશ્કરી ટોપી પહેરેલો
એક હસતો જુવાન.
મેં ઉપાડીને આપ્યો.
એણે ‘થૅન્ક યૂ’ ન કહ્યું,
બસ
ફોટો પાછો
એ જ પાને મૂક્યો,
જ્યાં
કોઈ વાક્ય
અડધું અટક્યું હતું.
બસ આવી.
એ ચડી નહીં.
એ લગભગ રોજ
ચડતી નથી.
– પરાગ રતનપરા