← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ક્યારેક

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ક્યારેક થાય છે
તને
મુઠ્ઠીમાં બંધ કરી લઉં —
પતંગિયાની જેમ.

પછી યાદ આવે છે:
પતંગિયાને મુઠ્ઠીમાં રાખો
તો એના રંગ
હથેળીમાં રહી જાય છે,
ને પતંગિયું
પતંગિયું નથી રહેતું.

એટલે
હથેળી ખોલી રાખું છું.

તું ઊડે છે,
આવે છે,
બેસે છે,
પાછી ઊડે છે —

ને મારી ખુલ્લી હથેળી
ધીમે ધીમે
આખું આકાશ
બની જાય છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઆંગળીઆગલો લેખ →પરોણો