← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કુંજડીઓ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દર શિયાળે
કુંજડીઓ
સાઇબિરિયાથી
નળ સરોવર આવે છે —
નકશા વગર,
પાસપોર્ટ વગર,
વિઝાની કતારમાં ઊભી રહ્યા વગર.

અમારા ગામનો રમણ
દસ વરસથી
એમ્બેસીના દરવાજે
ફાઇલ લઈને ઊભો છે.
એ કહે છે:
‘પંખી થયો હોત તો…’

પણ એને ક્યાં ખબર છે
કે પંખી
દર વસંતે
પાછું પણ ફરે છે —
ને રમણને
બસ એ જ નથી આવડતું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમેળોઆગલો લેખ →આવ ને