ક્ષિતિજ
વાત તો એટલી જ હતી
કે આપણે મળીશું.
તું તારા પાટા પર,
હું મારા પાટા પર —
સમાંતર,
વર્ષોથી સાથે,
એકબીજાને જોતાં,
એકબીજાને ક્યાંય અડ્યા વગર.
લોકો કહેતા:
‘જુઓ, પેલે છેડે
બંને પાટા મળી જાય છે.’
આપણે દોડ્યા,
ખૂબ દોડ્યા.
હવે સમજાય છે —
પાટા ક્યાંય મળતા નથી,
એ તો જોનારની આંખમાં
મળી જાય છે.
ક્ષિતિજ
કોઈ જગ્યા નથી,
એ તો
આશાનું બીજું નામ છે.
– પરાગ રતનપરા