દરિયાનું હૈયું
સખી, જો —
દરિયો રોજ સવારે
કાંઠે છીપલાં મૂકી જાય છે,
નાનાં બાળકો માટે.
ને સાંજ પડે
બાળકોનાં પગલાં
ધીમેથી
પાછાં લઈ જાય છે.
આખી રાત
ઊંડાણમાં
એ પગલાંને
ગણ્યા કરે છે,
સાચવ્યા કરે છે.
લોકો કહે છે:
દરિયો ખારો છે.
એમને ક્યાં ખબર —
આટલાં બધાં
વિદાય થયેલાં પગલાંનાં આંસુ
કોઈ એકલું પીએ,
તો મીઠું ક્યાંથી રહે?
– પરાગ રતનપરા