← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આજનો દિવસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચાલ, આજનો દિવસ જીવી લઈએ, કાલ કોણે દીઠી?
ગઈ કાલ તો ગઈ ગલીમાં, આજ છે સાકર મીઠી.

ગઈ કાલનાં દુઃખડાં લઈને શીદ ફરવું ખભે ભારે?
આવતી કાલની ચિંતા લઈને શીદ રડવું અંધારે?
આંગણામાં તડકો આવ્યો, ઝીલી લે એની ચિઠ્ઠી…
ચાલ, આજનો દિવસ…

બાનો ફોન ઉપાડી લે, ને ભાઈબંધને મળ ઘડીક,
ચાની ચૂસકી સાથે જોજે ચકલી બેઠી નજીક;
નાની નાની ખુશીઓ જ છે જીવતરની હૂંફ-અંગીઠી…
ચાલ, આજનો દિવસ…

પરાગ કહે: આ શ્વાસ મળ્યો છે, ઉછીનો નહિ, ઉપહાર,
એને ગણતરીમાં ન વેડફ, એ તો છે તહેવાર;
સૂરજ ઢળે તે પહેલાં આજે હસી લે ભરી મૂઠી…
ચાલ, આજનો દિવસ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખજાગું છુંઆગલો લેખ →ક્ષિતિજ