કંટાળો
મેં માને પૂછ્યું:
‘રોજ સવારે રોટલી,
બપોરે દાળ-ભાત,
સાંજે ખીચડી —
ચાલીસ વરસથી.
મા, તને કંટાળો નથી આવતો?’
મા હસી.
લોટ બાંધતાં બોલી:
‘સૂરજને પૂછ્યું છે કદી?
રોજ એ જ પૂર્વ,
એ જ પશ્ચિમ,
અબજો વરસથી.’
‘પણ મા, સૂરજ તો…’
‘સૂરજ તો
આખી દુનિયા માટે ઊગે છે,
એટલે
એને કંટાળો નથી આવતો.
હું તો
તમારા ચાર જણ માટે જ ઊગું છું —
મને ક્યાંથી આવે?’
એ દિવસે
પહેલી વાર
મને રોટલી
ગરમ નહીં,
ઝળહળતી લાગી.
– પરાગ રતનપરા