પોટલી
બાંધી લે પોટલી, હંસલા, હવે ઘડી આવી જાવાની,
દેહ-ઘરની ભાડૂઆતી પૂરી, ચાવી સોંપી દેવાની.
ભરી’તી શું શું પોટલીમાં, જરા ખોલીને જોજે,
સોનું, રૂપું, નામ-દામ, એ તો અહીં જ રહી જાશે;
બે ચાર સારાં કામ ને થોડી આંખોની ભીનાશ,
એટલું જ સંગાથે આવે, બાકી માયા ખોવાની…
બાંધી લે પોટલી…
આ ઘર મારું, આ ખેતર મારું, આ મારાં સંતાન,
ભાડાના ઘરમાં ભાડૂતે માંડ્યું’તું શું અભિમાન!
માલિક બોલાવે તો હસીને ઊભા થઈ જાવું,
પાછું વળી જોવું નહીં, એ જ રીત છે જાવાની…
બાંધી લે પોટલી…
પરાગ કહે: પોટલી હળવી તો હંસ ઊડે ઊંચે,
ભાર ભરેલો હોય તો એની પાંખો કાદવ ખૂંચે;
મૂકી દે મમતાના પથ્થર, ઝાલ નામની ઝોળી,
પવનની પાંખે ઊડીને પિયુને ઘેર જવાની…
બાંધી લે પોટલી…
– પરાગ રતનપરા