કંકોતરી
ટપાલમાં
એક કંકોતરી આવી.
લાલ કવર,
સોનેરી ગણપતિ,
ને અંદર
એનું નામ.
વર કોઈ ડૉક્ટર છે,
સારું છે.
તારીખ પચીસમી છે,
સારું છે.
ભોજન સાંજે સાત પછી,
સારું છે.
‘આપ અવશ્ય પધારશો’ —
એ લીટી
એના અક્ષરે નહોતી,
છાપેલી હતી.
એ પણ સારું છે.
મેં કંકોતરી
ટેબલ પર મૂકી,
ચા બનાવી,
ને બારીએ ઊભો રહ્યો.
સાંજે
પવન આવ્યો,
ને કંકોતરી
ટેબલ પરથી ઊડીને
નીચે પડી.
મેં
ઉપાડી નહીં.
ઘણી વાતો
પડી રહે,
એ જ સારું છે.
– પરાગ રતનપરા