કેવો મસ્ત ચાંદો!
‘કેવો મસ્ત ચાંદો!’ — મેં કહ્યું.
ડાયટ પર ચાલતી પત્ની બોલી:
‘ગોળ ગોળ છે, ઘીમાં તળેલો લાગે છે,
જોવાથી પણ કૅલરી ચડે.’
દીકરાએ મોબાઈલ ઊંચો કર્યો:
‘ઝૂમ કરું તો ફાટી જાય છે,
ફિલ્ટર વગર તો સાવ સાધારણ.’
પડોશી શાહસાહેબ બોલ્યા:
‘ત્યાં પ્લોટ મળે? ભાવ શું ચાલે છે?’
ને રોડની ધારે
પોતાની લારી નીચે સૂતેલો
ભૂખ્યો ભીખો
ચાંદ સામે તાકીને બોલ્યો:
‘બાજરાનો હોત તો
અડધો તો આજે જ ખવાત.’
ત્યારથી ચાંદ
પોતે પણ નક્કી નથી કરી શકતો
કે એ શું છે —
કવિતા, કૅલરી, પ્લોટ
કે રોટલો.
– પરાગ રતનપરા