← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખારવાની નાર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હળવે હંકારજે હોડી રે ખારવા, દરિયો છે આજ રે ઉદાસ,
ઝાંપે ઊભી છે તારી ઝીણી રે નાર, એની આંખોમાં ખારો ઉજાસ.

જાળ ભલે નાખજે ઊંડાં રે પાણીએ, જીવને ન નાખજે ઝોલે,
મોજાં તો ઊછળે ને શમી રે જાય, મારું હૈયું રે રાતદિન ડોલે;
માછલી નહીં, મારે જોઈએ રે તું જ, તારા શ્વાસનો ખારો સુવાસ.
હળવે હંકારજે હોડી રે ખારવા…

ઉગમણે દીવો ને આથમણે દીવો, વચ્ચે રે બળે મારું મન,
કાંઠે બેસીને હું તો ગણ્યા રે કરું, તારી પાછી વળતી પળ-પળનાં વન;
રેતીમાં પગલાં તું મૂકીને ગયો, એને મોજું ન ભૂંસે, રે આશ.
હળવે હંકારજે હોડી રે ખારવા…

ચાંદો ઊગે ને તારી નાવ દેખાય, મારા કંકણ રણકે રે ઝીણાં,
પરાગ કહે, જેની વાટ જુએ નાર, એનાં સાગર ન થાય કદી કીના;
પાછો વળજે રે મારા સઢના સરદાર, તારી ઝૂંપડીએ જાગે છે આસ.
હળવે હંકારજે હોડી રે ખારવા…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખકેવો મસ્ત ચાંદો!આગલો લેખ →જંગલી ફૂલને