ઠોકરે
જ્યાં પડું, ત્યાં હાથ દઈને પણ ઉઠાડે ઠોકરે,
આંખ મીંચી ચાલનારાને જગાડે ઠોકરે.
રાતભર પગમાં રહીને એક તણખો ઝળહળે,
ગાઢ અંધારે ય રસ્તો આ બતાડે ઠોકરે.
રેશમી રસ્તે જવાનો ગર્વ જો માથે ચડે,
ત્યાં જ ધીમેથી ધરા પર લઈ પછાડે ઠોકરે.
રક્તનાં ટીપાં ચરણમાં ઘૂઘરી થઈ ખણખણે,
કોઈ મીરાંની જ માફક પદ ગવાડે ઠોકરે.
આ પરાગે ભાગ્ય પાસે ફૂલ માગ્યાં'તાં ઘણાં,
એ ન આવ્યાં, પણ મને મંઝિલ પમાડે ઠોકરે.
– પરાગ રતનપરા
#ગઝલ #ઠોકર #અનુભવ #સંઘર્ષ #મંઝિલ #પરાગરતનપરા
#GujaratiGhazal #LessonsOfLife #Stumbles #Struggle #Destination #ParagRatanpara