કવિતા ન લખું તો?
કવિતા લખવાનું બંધ કરું તો
શું થાય?
શેરબજાર તો ચાલુ જ રહે.
દૂધવાળો સવારે આવે જ.
નગરપાલિકા
ખાડા પૂરવાનું ભૂલી જાય —
એ તો આમેય ભૂલે છે.
કશું જ ન થાય.
બસ,
એક સાંજે મારી દીકરી પૂછે:
‘પપ્પા, ચાંદો
આપણી પાછળ પાછળ કેમ ચાલે છે?’
ને મારી પાસે
જવાબ હોય —
ભૂગોળનો,
કવિતાનો નહીં.
– પરાગ રતનપરા