કંકોતરી
આવી કંકુવરણી કંકોતરી, ઉપર ગણેશનું સ્થાપન,
તારા નામની બાજુમાં છે કોઈ બીજાનું સગપણ.
ઢોલ, શરણાઈ, માંડવો, મંડપ, બધું છપાયું સુંદર,
મારા નામની નીચે લખ્યું: ‘સહકુટુંબ પધારજો અંદર’;
કુટુંબ મારું તું જ હતી, ને તું જ હવે કોઈનું આંગણ…
આવી કંકુવરણી કંકોતરી…
તારીખ, તિથિ, ચોઘડિયાં ને શુભ મુહૂર્ત સૌ જોયાં,
એક જ પળ ના જોઈ, જેમાં આપણે બેઉ ખોયાં;
‘ભોજન સાથે’ લખ્યું છે, પણ ગળે ન ઊતરે કણ…
આવી કંકુવરણી કંકોતરી…
પરાગ કહે: હું આવીશ, ચાંલ્લો કરીશ હસતે મુખે,
આશિષ દઈશ: ‘સો વરસ તું જીવજે સુખે સુખે’;
પોથીમાં જેમ મોરનું પીંછું, એમ રહેશે તારું સ્મરણ…
આવી કંકુવરણી કંકોતરી…
– પરાગ રતનપરા