અંગૂઠે
મળે છે ઘેર બેઠાંને હવે સંબંધ અંગૂઠે,
થયાં છે વાતનાં સૌ બારણાં પણ બંધ અંગૂઠે.
અડીને એક સોફા પર લખે છે ‘કેમ છો?’ ફોને,
અને લાગે, થયો છે સ્નેહનો અનુબંધ અંગૂઠે.
અમે ઘાણી તણા બળદો, ફરીએ ગોળ ચક્કરમાં,
બને પાટા સમી સ્ક્રીનો, થયા સૌ અંધ અંગૂઠે.
નમેલી ડોક, વાંકી પીઠ ને નીચી નજર રાખી,
યુવાનીના નમી ગ્યા છે બધા યે સ્કંધ અંગૂઠે.
પરાગે ફૂલનો ફોટો તમારા ફોનમાં મૂક્યો,
તમે ‘લાઇક’ તરત આપી, મળી ના ગંધ અંગૂઠે.
– પરાગ રતનપરા
#ગઝલ #વ્યંગ #મોબાઇલ #સોશિયલમીડિયા #સંબંધ #પરાગરતનપરા
#GujaratiGhazal #Satire #SmartphoneAddiction #SocialMedia #DigitalLife #ParagRatanpara