કવિતા ક્યાં આવે છે
ટેબલ સાફ કર્યું,
નવી ડાયરી,
નવી પેન,
ચાનો કપ,
બારી ખુલ્લી —
કવિતા ન આવી.
પછી
બસમાં ઊભા ઊભા,
ભીડમાં કોઈની કોણી ખાતાં,
એક ડોશીના હાથમાં
ધ્રૂજતી થેલી જોઈ —
ત્યાં આવી.
શાકવાળીના
ત્રાજવાના પલ્લામાં
ઓછું ટીંડોરું જોઈ —
ત્યાં આવી.
કવિતા
ટેબલ પર નથી આવતી.
એ તો
જ્યાં કોઈ
જરાક
ઓછું પડતું હોય,
ત્યાં
આવીને ઊભી રહે છે.
– પરાગ રતનપરા