કવિની અંતિમ યાત્રા
આખી જિંદગી
એ કવિતાઓ લખતો રહ્યો.
ગામમાં કોઈએ
એની એક પંક્તિ ના વાંચી.
‘નકામો છે,’ સૌ કહેતા,
‘કાગળ બગાડે છે.’
આજે એની અર્થી ઊઠી.
સ્મશાને
પ્રમુખશ્રીએ ભાષણ કર્યું,
શિક્ષકે એની કવિતા વાંચી,
છાપાવાળાએ ફોટા પાડ્યા,
ને ભીડમાંથી કોઈ બોલ્યું:
‘આવો મોટો કવિ
આપણા ગામમાં હતો?’
ચિતા પર સૂતાં સૂતાં
કવિને પહેલી વાર લાગ્યું
કે એની કવિતા
સાંભળનારા મળ્યા છે.
પણ હવે
એને દાદ આપવા
ઊઠી શકાય એમ નહોતું.
– પરાગ રતનપરા