કલમનો ઉપવાસ
આજે ત્રીજો દિવસ છે —
મારી કલમ ઉપવાસ પર છે.
ટેબલ પર કાગળ
ભૂખ્યા છોકરાની જેમ
મારી સામે જોયા કરે છે.
મેં કલમને સમજાવી:
‘ચાલ, બે લીટી તો લખ,
ચોમાસું છે, ગુલમોર છે,
તારે ગમતી બધી ચીજો છે.’
કલમ ચૂપ.
ચોથે દિવસે
બારીની બહાર
એક મજૂર સ્ત્રી
માથે ઈંટો ઊંચકીને
ગીત ગાતી નીકળી.
કલમ ઊભી થઈ ગઈ.
ખબર પડી —
એ ઉપવાસ નહોતો,
એ તો રાહ હતી:
કોઈ સાચું
ગાતું નીકળે એની.
– પરાગ રતનપરા