← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભીંજાવા દે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આજ મને ભીંજાવા દે, મા, આજ મને ભીંજાવા દે,
વરસોથી કોરી રાખેલી જાતને પલળી જાવા દે.

છત્રી નાખી ખૂણામાં ને ઓઢણી ઊડી વાયે,
ખાબોચિયે ખાબોચિયે આખું બાળપણ ઠલવાયે;
લોક ભલે ને હસે, કહે: ‘આ ગાંડી થઈ કે શું?’
ગાંડપણની એક ઘડીમાં ડાહ્યું ડહાપણ ધોવા દે…
આજ મને ભીંજાવા દે…

અરીસામાં રોજ જોઉં પણ ઓળખ ના પડતી,
ટીપે ટીપે આજ મને હું મારામાં જડતી;
વાદળ આવ્યું સાથ લઈને મારો જૂનો ચહેરો,
કાદવમાં ખરડાયેલા પગને નાચી નાચી ગાવા દે…
આજ મને ભીંજાવા દે…

પરાગ કહે: આ વરસાદ નથી, આ તો આભનો કાગળ,
જે વાંચે એ પોતે પોતાને થાય ગમતો પાગલ;
સાંજે ઘેર જઈશ, મા, પણ હાલ ન રોકીશ, ન ટોકીશ,
એક વાર તો મને મારી સાથે પ્રેમ થઈ જાવા દે…
આજ મને ભીંજાવા દે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઢાંક્યાઆગલો લેખ →કલમનો ઉપવાસ